Friday, May 17, 2013

Say Sorry, My Son! Say Sorry… - રઇશ મનીઆર

આ ગીતની શરૂઆત (અને અંત પણ) ભલે Say Sorry, My Son! થી થતા હોય, પણ ગીતનો હજુ પહેલો જ ફકરો વાંચી/સાંભળીને I am sorry, My Son! તમારા હ્રદયમાંથી ન નીકળે તો જ નવાઇ..! ભલે તમારુ બાળક આ સ્થિતિમાંથી પસાર થયું હોય કે નહીં, પણ દેશના ખૂણે ખૂણે બનતી આ રોજની ઘટના એક કવિના શબ્દોમાં સાંભળી ક્યાંક કશેથી દાઝી ચોક્કસ જવાશે..! ............ ................
તો વળી ક્યાંક મમ્મીઓ પર હસવું પણ આવી જશે…
સ્વર – સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી

(Click Link for Audio)


Say Sorry, My Son! Say Sorry…
Say Sorry, My Son! Say Sorry…
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોયે આ નોટ તારી કોરી…
Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી..
યાદદાસ્ત માટે શંખપુષ્પીની
કાંઇ બાટલીઓ પેટમાં ભરી.
કેમે કરી યાદ ના રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…
Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.
મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી…
Say Sorry, My Son! Say Sorry…

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવડાવું,
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.
ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
Say Sorry, My Son! Say Sorry…

- રઇશ મનીઆર

No comments: